1970 ના દાયકાના ઉત્તરાર્ધમાં બૅંગલોરનો એક બાળક કૃષ્ણ-ભરત મુગ્ધ બની તેના દાદાને જુદાં-જુદાં છાપાં વાંચતાં જોતો. કન્નડ અને અંગ્રેજી ભાષાનાં અલગ-અલગ સમાચારપત્રો અને સામાયિકો તો ખરાં, ઉપરાંત અમેરિકાનું “ટાઈમ” સાપ્તાહિક પણ દાદાજીનું માનીતું. આટલું હજી ઓછું હોય તેમ દાદાજી દરરોજ બી.બી.સી.ના અને ટેલિવિઝનના સમાચારો પણ અચૂક સાંભળતા. દાદાજીની સાથે કૃષ્ણ-ભરત પણ સમાચારોમાં રસ લેતો થયો. બાળવયમાં સમજ ઓછી હોય પણ એક વાત તો તેના ધ્યાનમાં આવી : એક જ સમાચારને અલગ-અલગ સ્ત્રોત જુદી રીતે અને નોખા પરિપેક્ષ્યમાં રજૂ કરતા. એક સમાચારપત્ર માટે જે ખબર અતિ મહત્વની હોય તેની બીજાએ માત્ર નગણ્ય નોંધ લીધી હોય. નાના બાળકે એક મહત્વનું તારણ કાઢ્યું – જો કોઈ પરિસ્થિતિને સારી રીતે સમજવી હોય તો તેને જુદા-જુદા દષ્ટિકોણથી જોયા બાદ જ તેના વિશે મત બાંધવો જોઈએ.
બીજી તરફ કૃષ્ણ-ભરતનું શિક્ષણ પણ આગળ વધતું ગયું. ભણવામાં હોંશિયાર. ભારતમાં એન્જિનિયરિંગ કરી અમેરિકાની સુપ્રસિદ્ધ જ્યોર્જિયા ટેક યુનિવર્સિટીમાંથી સન 1996 માં કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં પી.એચ.ડી કર્યું. થોડો વખત ડિજિટલ ઈક્વિપમેન્ટ જેવી વિખ્યાત કંપનીમાં નોકરી કરી. વર્લ્ડ વાઈડ વેબ પર ઉપલબ્ધ અખૂટ માહિતીમાંથી જોઈતી માહિતી શોધી કાઢવાનું કામ અલ્ટાવિસ્ટા નામનું સર્ચ-એન્જિન કેવી રીતે કરે છે તે વિશે સંશોધન કરવાની જવાબદારી તેને સોંપાઈ. આ નોકરી દરમિયાન તેની મુલાકાત થઈ તેની જ વયના બે યુવાનો સાથે. તે હતા લૅરી પેજ અને સર્જી બ્રિન – ગુગલ સર્ચ એન્જિનના સ્થાપકો. પેજ અને બ્રિનને કૃષ્ણ-ભરતના વિષયમાં રસ પડ્યો અને તેને બોલાવી લીધો ગૂગલમાં. ગૂગલ એ વખતે નવી નવી જ કંપની હતી. કૃષ્ણ-ભરતને અખત્યાર સોંપાયો ગૂગલ રિસર્ચ ગ્રુપનો – નવી નવી તકનિકો પર સંશોધન કરવાનું મુખ્ય કામ. ટેકનોલોજીમાં સુધારા-વધારા કરી ભવિષ્યના ઉપયોગ માટે કેમ આગળ વધી શકાય તેના પ્રયોગો અને અખતરા કરતા રહેવાનું. ટેકનોલોજી સફળ નીવડે કે નિષ્ફળ, પૈસા પેદા કરી શકે કે નહીં તેની જરા પણ દરકાર કરવાની નહીં. સફળતા મળે કે ધનપ્રાપ્તિનો યોગ જણાય તો પણ ઠીક અને આમ ન થાય તો પણ કોઈ વાંધો નહીં. આવું હતું કૃષ્ણ-ભરતનું ગૂગલનું કાર્ય-ક્ષેત્ર.
ગૂગલમાં વળી બીજી એક અદ્દભુત સગવડ. કંપનીના દરેક કર્મચારીને પોતાના નોકરીના કલાકોમાંનો 20 ટકા સમય પોતાને મનગમતી પ્રવૃત્તિ પાછળ ખર્ચવાનો. કંપની કે પોતાનો ઉપરી આ બાબતમાં કોઈ પ્રકારની દખલ ન કરે. પોતાને અનુકૂળ અને પોતાની રુચિ મુજબનું કામ નોકરીના આ 20 ટકા સમયમાં દરેક કર્મચારી કરી શકે. ગૂગલના યુવાન સ્થાપકોની એક દઢ માન્યતા એ હતી કે આવું સ્વાતંત્ર્ય નવા વિચારોની મહામૂલી ખાણ નીવડશે. નોકરીના કલાકોના 20 ટકા એટલે અઠવાડિયે એક દિવસ – કોઈ પણ પ્રકારની રોક-ટોક વગર પોતાને ગમતા કામ પાછળ ગાળવાનો. કવિની ભાષામાં કહીએ તો સપનાનાં વાવેતરનો કાળ. ગૂગલની ટેકનોલૉજીમાંની ઘણી આવા પ્રયોગોમાંથી જન્મી છે. સંશોધક પોતાને મનગમતા કાર્યની જાણકારી પોતાના સહકર્મીઓને ઈલેકટ્રોનિક બુલેટિન બોર્ડ પર આપે અને સાથીઓ પોતાનાં પ્રતિભાવો, ટીકા-ટિપ્પણ જણાવે. અભિપ્રાયોના આવા આદાન-પ્રદાનને કારણે નવી દિશાઓ ખૂલતી જાય. હકારાત્મક પ્રતિભાવ એટલે બીજાઓને નવો વિચાર પસંદ પડ્યો છે અને સહિયારી રીતે તેને આગળ વધારી શકાય છે તેવી લીલી ઝંડી. ગૂગલ આ રીતે નવી નવી ટેકનોલૉજી વિકસાવતું ગયું.
કૃષ્ણ-ભરત જ્યારે પોતાની પી.એચ.ડી માટે સંશોધન કરતો હતો ત્યારે તેણે એક નવીન પ્રકારના ઈલેકટ્રોનિક સમાચાર – પત્રની કલ્પના કરેલી. વર્લ્ડ વાઈડ વેબ પર કોઈ એક ચોક્કસ બાબતને લગતા જે-જે સમાચાર હોય તે બધાને એકસાથે લાવી એક જ થાળીમાં પીરસવા મળે તો ? આવો સંચય વાસી પણ ન હોવો જોઈએ. એટલે તાજેતાજા સમાચાર વિષયવાર અને વિગતવાર ગોઠવી વાચકની રુચિ અનુરૂપ આપી શકાય તો ? ગૂગલમાં નોકરી લીધી ત્યારે પણ આ વિચાર તેના મગજમાં અવાર-નવાર ઝબકતો રહેતો. અને તેમાં આવ્યો 11 સપ્ટેમ્બર 2001 નો ગમખ્વાર દિવસ. કૃષ્ણ-ભરત તે દિવસે ન્યુ ઓર્લિયન્સ શહેરમાં એક મહત્વની બેઠક માટે ગયેલો. પોતાની હોટેલની રૂમમાં ટેલિવિઝન પર આતંકવાદી હુમલાઓના સમાચાર જોયા. ટેલિવિઝનની એક પછી એક ચેનલ ફેરવતો ગયો, વધુ ને વધુ માહિતી માટે અને આ ગોઝારી ઘટનાએ એક ચિનગારીનું કામ કર્યું.
બાળપણમાં દાદાજી સાથે માણેલા દિવસોનું સુખદ સ્મરણ; વાંચવાની જે લત દાદાજીએ લગાડી હતી તે; જ્યોર્જિયા ટેકમાં કૉમ્પ્યુટર વિજ્ઞાનનો ઉચ્ચ અભ્યાસ; ત્યાં વિચારેલા નવા પ્રકારના સમાચાર-પત્રનું આલેખન; ગૂગલમાં નોકરી દરમ્યાન મનગમતું કામ કરવા મળેલ 20 ટકાનો સમય અને 11 મી સપ્ટેમબરનાં દશ્યો. આ બધાં પરિબળો એકસાથે કામે લાગ્યાં. કૃષ્ણ-ભરતે શરૂ કર્યું કામ એવી ટેકનોલૉજી પર કે જેના દ્વારા એક જ વિષયને લગતા સમાચાર જુદા-જુદા સ્ત્રોતમાંથી ભેગા કરાય અને એકસાથે રજૂ કરાય. એક જ વિષયને કેટલા અલગ-અલગ દષ્ટિકોણથી જોઈ શકાય તેનો તરત અહેસાસ મળે. કૃષ્ણ-ભરતે પોતાના ગણિતશાસ્ત્રના ઉચ્ચજ્ઞાનનો ઉપયોગ કરી સમાચારોને કેવી રીતે વિભાગવાર વહેંચવા, અગ્રતાક્રમાનુસાર ગોઠવવા, નવા સમાચારોને પ્રાધાન્ય મળવું જોઈએ વગેરે મુદ્દાઓને સાંકળી લે તેવી વ્યવસ્થા ઊભી કરી. એક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ આ કામ કરવા સક્ષમ નથી એટલે આ બધું કામ અવિરતપણે કૉમ્પ્યુટર્સ કરતાં જાય તો જ શક્ય બને. આવું માળખું તૈયાર થયું એટલે તેમાં વધુ ને વધુ સૂક્ષ્મ પરિમાણો ઉમેરાતાં ગયાં. મહત્વના સ્ત્રોત (જેવા કે ન્યુયોર્ક ટાઈમ્સ, બી.બી.સી, ગાર્ડિયન) ના સમાચારનો અગ્રતાક્રમ ઊંચો હોય તે સ્વાભાવિક છે સાથે સાથે નાના સ્ત્રોતને પણ અવગણવા ન જોઈએ. તાજા સમાચાર ઉપરની પાયરીએ રાખવા પડે. સાથે ફોટાઓ પણ સાંકળી લેવા જોઈએ. સમાચારો વણથંભ્યા ઘડાતા રહે એટલે તેને અનુરૂપ કૉમ્પ્યુટર્સ પણ સતત સંકલન કરતાં રહેવાં જોઈએ.
ગણિતશાસ્ત્ર અને કૉમ્પ્યુટર વિજ્ઞાનનાં જટિલ પાસાંઓનો ઉપયોગ કરી સન 2002 ની શરૂઆતમાં પોતાના ઓનલાઈન ઈલેક્ટ્રોનિક સમાચાર-પત્રનું ડમી તૈયાર કર્યું. ગૂગલના સંસ્થાપકોએ આ પ્રોજેક્ટમાં તીવ્ર રસ દાખવ્યો અને કૃષ્ણ-ભરતના શોખનું આ રમકડું ગૂગલનો મહત્વનો પ્રોજેક્ટ બની ગયું. ગૂગલના બીજા સાથીઓ આ કામમાં જોડાયા. જોઈએ તે મદદ હાજર કરાઈ અને આમાંથી ઉદ્દભવ્યું એક અવનવું સમાચારપત્ર “ગૂગલ ન્યૂઝ”.
આ ઈલેક્ટ્રોનિક સમાચારપત્ર વિશ્વના દરેક નાગરિક માટે તદ્દન મફતમાં ઉપલબ્ધ કરાયું છે. “ગૂગલ ન્યૂઝ” એટલે અદ્યતન કૉમ્પ્યુટરોનું એક એવું જાળું જેનાં સોફટવેર વર્લ્ડ વાઈડ વેબ પર વણથંભી રીતે સમાચારો શોધતાં રહે, એક ચોક્કસ વિષયને લગતા સમાચારો એકસાથે સંકલન થઈ રજૂ થાય. જુદા-જુદા સ્ત્રોતોના સમાચારોનાં મથાળાં વાચકને મળે અને જે મથાળામાં રસ પડે તેના પર કિલક કરતાં તે સ્ત્રોત પર વાચકને પહોંચાડી દે જેથી વિગતવાર માહિતી મેળવી શકે. …પણ આટલું પૂરતું નહોતું. કૃષ્ણ-ભરતને તો જોઈતું હતું વાચક પોતે પસંદ કરી શકે તેવા સમાચારો ધરાવતું છાપું. એટલે એક નવી તકનિક વિકસાવાઈ. દરેક વાચક પોતાને ગમતા વિષયો પસંદ કરી દરેક વિષય પર કેટલાં મથાળાં જોવા ઈચ્છે છે તે પણ નક્કી કરી શકે. વિષયોનું વૈવિધ્ય પણ ગજબનું : વિશ્વ સમાચાર, કોઈ ચોક્કસ દેશને લગતા સમાચાર, વિજ્ઞાન-ટેકનોલૉજી, સ્વાસ્થ્ય, રમત-ગમત, મનોરંજન, વેપાર-વાણિજ્ય, કળા-સંસ્કૃતિ, વગેરે, વગેરે. મથાળાંની સાથે ફોટાઓ જોઈએ છે કે નહીં તે પણ પસંદગી વાચકની જ. કયા વિષયના સમાચાર ઉપર હોવા જોઈએ અને કયો વિષય અગ્રતાક્રમમાં પાછળ હશે તે પણ દરેક વાચક પોતાની મરજી મુજબ નક્કી કરે. “ગૂગલ ન્યૂઝ” દરેક વાચકને તેની પોતાની ફરમાઈશ મુજબનું સમાચાર-પત્ર આપે. સમાચારો પ્રતિક્ષણ વ્યવસ્થિત ગોઠવાતા રહે. અત્યારે વિશ્વભરના 4500થી વધુ સ્ત્રોતોના સમાચારોનું સંકલન “ગૂગલ ન્યૂઝ” પોતાના વાચકને પીરસે છે – તદ્દન મફતમાં. સજાવટ એટલી આકર્ષક અને ગોઠવણ એટલી તો વ્યવસ્થિત કે વાચક પોતાના મનપસંદ સમાચારો માણતો જ રહે.
“ગૂગલ ન્યૂઝ” ઝંઝાવાતની જેમ વિશ્વભરમાં ફેલાઈ ગયા. આટલી ગજબની સફળતા ઈન્ટરનેટના ઈતિહાસમાં બહુ ઓછી નોંધાઈ છે. કૃષ્ણ-ભરતની બઢતી થઈ ગૂગલની રિસર્ચ એન્ડ ડેવલેપમેન્ટ ઑફિસના મુખ્યાધિકારી તરીકે – ભારતમાં. ગૂગલની નવી ટેકનોલોજીમાંની ઘણી ભારતમાં રચાઈ છે. “ગૂગલ ન્યૂઝ” ની સફળતા જોઈ ગૂગલના બીજા સંશોધકોને થયું આમાં હજુ નવા અખતરા કરીએ તો ? તેમાંથી જન્મે છે “ગૂગલ એલર્ટ”. વાચક પોતાની રુચિ જણાવે તો તે વિષયને લગતા નવા સમાચારો જેમ જેમ ઉદ્દભવતા જાય તેમ તેમ વાચકને ઈ-મેલ દ્વારા તેની જાણ ગૂગલ દ્વારા કરાતી રહે. આ સગવડ પણ તદ્દન મફતમાં. આજે કરોડો લોકો “ગૂગલ ન્યૂઝ” અને “ગૂગલ એલર્ટ” ના સભ્ય છે. સભ્યપદ માટે કોઈ પ્રકારની ફી નથી કે નથી કોઈ જાતની ખરીદી કરવાની.
આજે કોઈ પણ ખર્ચ વિના વિશ્વની દરેક વ્યક્તિ પોતાની પસંદને અનુરૂપ તાજેતાજા સમાચારો અવિરત રીતે મળતાં રહે તેવી સમર્થ બની હોય તો તેના પાયામાં છે એક વ્યક્તિનું વિસ્મયભર્યું બાળપણ. આજે કૃષ્ણ-ભરતની ઉંમર છે 36 વર્ષ. અને તેઓ ગૂગલના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ છે.
(“ગૂગલ ન્યૂઝ” ની વેબસાઈટ છે : http://news.google.com આ વેબસાઈટ પર જઈ પોતાનું નામ નોંધાવી પોતાનું મનપસંદ સમાચારપત્ર મેળવી શકાય છે. શ્રી કૃષ્ણ-ભરત અંગેની વધુ વિગતો ગૂગલ સર્ચમાં “krishna-bharat” નામથી સર્ચ કરવાથી પણ મળી શકે છે, આ ઉપરાંત “ગૂગલ રિચર્ચ સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સ” વિભાગમાં આપેલી આ વિગત પણ આપ જોઈ શકો છો : http://labs.google.com/people/krishna/ )
Sunday, September 17, 2006
ગૂગલ ન્યૂઝ : ભારતનું ગૌરવ – ડૉ. હરેશ અને યોગેશ કામદાર
Labels:
Google,
Gujarati in Google,
Indian,
Indian in Google,
Krishna
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment